અહીં સૌથી ખાસ મકબરાનો ગુંબજ છે, જે ઓટ્ટોમન તુર્કી શૈલીમાં બનેલો છે.
આ મકબરો વીસમી સદીમાં બનાવવામાં આવ્યો છે. તેને તુર્કી (તુર્કસ્તાન કે તુર્કીયે)ના અંતિમ ખલીફા અબદુલ મજીદ દ્વિતીય માટે બનાવવામાં આવ્યો હતો, જે એક ચિત્રકાર, કવિ અને સંગીતપ્રેમી હતા.
અબ્દુલ મજીદ ઓટ્ટોમન સામ્રાજ્ય કે ઉસ્માનિયા સલ્તનતના છેલ્લા સભ્ય હતા જેમને ખલીફા નિયુક્ત કરાયા હતા. તેઓ પયગંબર મોહમમ્દના રાજકીય ઉત્તરાધિકારનું પ્રતિનિધિત્વ કરતા હતા.
ઓટ્ટોમન સામ્રાજ્યનો અંત આવ્યા પછી તેમનું ધ્યેય ભારતીય રજવાડા હૈદરાબાદમાં પોતાના રાજવંશનું શાસન ચાલુ રાખવાનું હતું.
ઓટ્ટોમન સામ્રાજ્યનો અંત આવ્યા પછી નવેમ્બર 1922માં તુર્કીની સરકારે તેમને ઇસ્તંબુલમાં ખલીફા નિયુક્ત કર્યા હતા.
પરંતુ, 3 માર્ચ 1924માં તુર્કીના ખલીફાની નિયુક્તિ સમાપ્ત કરી દેવામાં આવી અને અબ્દુલ મજીદને તેમના પરિવાર સાથે સ્વિટ્ઝર્લૅન્ડ જતી ટ્રેનમાં બેસાડી દેવાયા.
હૈદરાબાદના અંતિમ નિઝામ મીર ઉસ્માન અલી ખાન, જેમને એક સમયે 'ટાઇમ' મૅગેઝીને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાવ્યા હતા, તરફથી તેમને મદદ મળી હતી.
અબ્દુલ મજીદની મદદ માટે નિઝામે હાથ લંબાવ્યો
બ્રિટિશ શાસન હેઠળ આવતા ભારતના સૌથી મોટા રજવાડાં હૈદરાબાદના સાતમા નિઝામ મુસ્લિમ હતા. પરંતુ, તેમણે મોટી સંખ્યામાં રહેતી હિંદુ પ્રજા પર શાસન કર્યું. જોકે, તેમણે મંદિરો, ગુરુદ્વારાઓ, મસ્જિદો અને સૂફી દરગાહોને સંરક્ષણ આપ્યું હતું.
હૈદરાબાદને મુગલ સામ્રાજ્યની સાંસ્કૃતિક ધરોહર માનવામાં આવતું હતું અને તેના મહેલો ભવ્યતા માટે જાણીતા હતા.
મુસ્લિમ સમુદાયમાં પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે નિઝામે અબ્દુલ મજીદને મદદની રજૂઆત કરી હતી.
ઑક્ટોબર 1924માં ફ્રાંસના નીસ શહેરમાં સમુદ્રકિનારે બનેલા વિલામાં અબ્દુલ મજીદે વસવાટ કર્યો હતો, જેની કિંમત નિઝામે ચૂકવી હતી.
અબ્દુલ મજીદે ત્યાંથી ખલીફાને પુનઃસ્થાપિત કરવાની ઝુંબેશ ચલાવી હતી. તેમણે માર્ચ 1931માં મૌલાના શૌકત અલી સાથે ગઠબંધન કર્યું. મૌલાના શૌકત અલી ભારતના સ્વતંત્રતા આંદોલનના એક અગેવાન હતા અને મહાત્મા ગાંધીના નિકટના સાથી હતા.
અબ્દુલ મજીદનું ધ્યાન એ જ વર્ષે જેરુસલેમમાં યોજાનારી ઇસ્લામિક કૉંગ્રેસ પર કેન્દ્રિત હતું.
અબ્દુલ મજીદે જેરૂસલેમ જઈને કૉંગ્રેસને સંબોધવાની અને ખલીફા માટે સમર્થન મેળવવાની યોજના ઘડી. તેમની આ યોજનાને બ્રિટિશ સરકારે ઝાટકો આપ્યો અને બ્રિટિશ શાસન હેઠળ આવતા પેલેસ્ટાઇનમાં અબ્દુલ મજીદની ઍન્ટ્રી સામે પ્રતિબંધ મૂકી દીધો હતો.
જોકે, તેમણે બીજી એક યોજના બનાવી હતી.
શૌકત અલી અને બ્રિટિશ બુદ્ધિજીવી માર્માડ્યૂક પિકથૉલે ઑક્ટોબર 1931માં અબ્દુલ મજીદનાં પુત્રી રાજકુમારી દુર્રુશેહવર અને નિઝામના સૌથી મોટા પુત્ર પ્રિન્સ આઝમ જાહનાં નિકાહ કરાવ્યાં.
'ટાઇમ' મૅગેઝિને અહેવાલ લખ્યો કે, "શું આ યુવાઓએ શાદી કરીને એક પુત્રને જન્મ આપવો જોઈએ? તેમને ખરા ખલીફા જાહેર કરી શકાય છે."
અબ્દુલ મજીદે જાહેરાત કરી કે, "આ શાદી સમગ્ર મુસ્લિમજગત પર સારો પ્રભાવ પાડવામાં નિષ્ફળ નહીં થાય."
શાદી નવેમ્બરમાં નીસ ખાતે થઈ હતી. થોડાક દિવસ પછી શૌકત અલીના નિવેદનના આધારે બૉમ્બેનાં ઉર્દૂ અખબારોએ ખલીફાની પુનઃસ્થાપનાની ભવિષ્યવાણીને હેડલાઇન્સ છાપી હતી.
તેનાથી બ્રિટિશ અધિકારીઓ ગભરાયા અને તેમણે નિઝામને અબ્દુલ મજીદની હૈદરાબાદ મુલાકાત રદ કરવા માટે મજબૂર કર્યા.
દસ્તાવેજ અંગે સવાલ
કેટલાક લોકોનું માનવું છે કે શાદીના થોડા દિવસ પછી અબ્દુલ મજીદે એવા દસ્તાવેજ પર સહી કરી, જેનાથી દુનિયાનો ઇતિહાસ બદલાઈ જાય એમ હતો.
આ દસ્તાવેજ, 2021માં સૈયદ અહમદ ખાનને હૈદરાબાદમાં પોતાના ઘરમાંથી મળી આવ્યો હતો. આ પરિવારે એપ્રિલ 2024માં મને મારા સંશોધન માટે પોતાના ઘરે બોલાવ્યો હતો.
ખાને મને જણાવ્યું કે, તેમને ડિસેમ્બર 2021માં પોતાના દાદાના દસ્તાવેજોમાંથી આ દસ્તાવેજ મળ્યો હતો. સૈયદ મોહમ્મદ અમરૂદ્દીન ખાન સાતમા નિઝામના સૈન્ય સચિવ હતા અને 99 વર્ષની ઉંમરે 2021માં તેમનું અવસાન થયું હતું.
આ દસ્તાવેજ જાડા પેપર પર અરબી લિપિમાં નિઝામને સંબોધીને લખાયો હતો અને તેના પર અબ્દુલ મજીદના હસ્તાક્ષર હતા. આ દસ્તાવેજ નીસમાં શાદીના એક અઠવાડિયા પછી લખવામાં આવ્યો હતો.
આ દસ્તાવેજ અનુસાર, તેના દ્વારા અબ્દુલ મજીદે ખલીફાનું પદ નિઝામ માટે તબદીલ કર્યું. આ દસ્તાવેજને પ્રિન્સ આઝમ અને દુર્રુશેહવરના પુત્રના જન્મ સુધી ગુપ્ત રાખવાનો હતો.
તુર્કીના લેખક મુરાત બરદાચ સહિત કેટલાક નિષ્ણાતોએ આ દસ્તાવેજને નકલી ગણાવ્યો છે.
મુરાત બરદાચે જણાવ્યું કે, "આ દસ્તાવેજને થોડાંક વર્ષ પહેલાં બનાવાયો છે. તેથી તે નકલી છે."
તેમણે કહ્યું, "આ દસ્તાવેજ પર જે હસ્તાક્ષર છે, તે એ લોકોના સાચા હસ્તાક્ષર નથી."
પરંતુ, કેટલાક લોકોનું કહેવું છે કે, આ દસ્તાવેજ અસલી છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ ઍન્ડ કન્વર્ઝન ઑફ મેનુસ્ક્રિપ્ટમાં કામ કરતા ડૉ. સૈયદ અબ્દુલ કાદરીએ જણાવ્યું કે "આ દસ્તાવેજ પર અબ્દુલ મજીદના હસ્તાક્ષરનો બીજા દસ્તાવેજો પર રહેલા તેમના હસ્તાક્ષર સાથે મેળ ખાય છે."
કાદરીએ જણાવ્યું કે, "આ એક ઘાટી કાળી શાહી છે, જેને પ્રિન્સ અને શાસકો માટે બનાવવામાં આવતી હતી."
તેમણે જણાવ્યું, "આ પ્રકારના કાગળ શાસકોના સમયમાં ઉપયોગમાં લેવાતા હતા. જે સામાન્યજનોની પહોંચથી દૂર છે."
ભારતમાં કેટલાક લોકો આ વાત સાથે સંમત છે. અહમદ અલી ભારત સરકારના સાલાર જંગ સંગ્રહાલયના સંગ્રહાધ્યક્ષ રહી ચૂક્યા છે અને હવે તેઓ નિવૃત્ત છે.
અહમદ અલીએ જણાવ્યું, "ખલીફા ઉપરાંતના બીજા શબ્દો પણ સાચા છે અને તે અન્ય દસ્તાવેજોમાં મળે છે."
વાદવિવાદ ચાલુ છે. સૈયદ અહમદ ખાને પોતાના પરિવાર તરફથી કહ્યું, "ધાર્મિક કે રાજકીય આધારે ખલીફાને પુનર્જીવિત કરવાની અમારી કશી યોજના નથી."
ખાસ યોજના બનાવવામાં આવી હતી
રહસ્ય હોવા છતાં, મેં બીજી જગ્યાએથી પણ એ વાતના પાક્કા પુરાવા એકઠા કર્યા છે કે, અબ્દુલ મજીદ ઇચ્છતા હતા કે, ખલીફાને હૈદરાબાદમાં પુનઃસ્થાપિત કરવામાં આવે.
દુર્રુશેહવરે, 6 ઑક્ટોબર 1933એ, નીસમાં મુકર્રમ જાહને જન્મ આપ્યો હતો. તેઓ અબ્દુલ મજીદ અને નિઝામના પૌત્ર હતા.
મુકર્રમ જાહ જ્યારે બાળક હતા ત્યારે નિઝામે પોતાના અંગત લોકોને કહ્યું હતું કે, આઝમ જાહના બદલે મુકર્રમ તેમના ઉત્તરાધિકારી છે.
ઑગસ્ટ 1944માં ખલીફા અબ્દુલ મજીદનું મૃત્યુ થયું. નવેમ્બર 1944માં સર આર્થર લોથિયને હૈદરાબાદમાં પોતાના પ્રતિનિધિને ખાનગી પત્ર લખ્યો હતો, "વડા પ્રધાને અબ્દુલ મજીદની વસિયત જોઈ છે અને તેઓ ઇચ્છતા હતા કે તેમને ભારતમાં દફનાવવામાં આવે જ્યાં તેમના ગ્રાન્ડસન આગામી ખલીફા હશે."
1946માં બે બ્રિટિશ અધિકારીઓએ એકબીજાને મોકલેલા ખાનગી પત્રો દ્વારા પણ જાણવા મળે છે કે, અબ્દુલ મજીદે જાહને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા અને તેઓ તેને ગુપ્ત રાખવા માગતા હતા.
નિઝામે તે જ વર્ષે ખુલ્દાબાદમાં મકબરાના નિર્માણનો આદેશ આપ્યો હતો, જે નિઝામની હદમાં આવતું હતું અને હવે મહારાષ્ટ્રનો ભાગ છે. આ એ જગ્યાની નજીક હતો જ્યાં હૈદરાબાદના પહેલા નિઝામને દફનાવવામાં આવ્યા હતા.
બ્રિટિશ શાસને ભારત છોડ્યા પછી સપ્ટેમ્બર 1948માં મકબરાનું નિર્માણકાર્ય પૂર્ણ થયું હતું.
એ જ મહિને ભારતીય સેનાએ માર્ચ કરી અને નિઝામને સત્તામાંથી હઠાવી દેવાયા. આક્રમણના કારણે લગભગ ચાલીસ હજાર લોકોના જીવ ગયા અને અબ્દુલ મજીદના મૃતદેહને ભારતમાં દફનાવવાની યોજના સફળ ન થઈ શકી.
ઈ.સ. 1954માં, મૃત્યુનાં દસ વર્ષ પછી, અબ્દુલ મજીદને સાઉદી અરબના મદીનામાં દફનાવવામાં આવ્યા.
મુકર્રમ જાહનું મૃત્યુ તુર્કીમાં થયું
મુકર્રમ જાહ પોતાના દાદાના મૃત્યુ પછી 1967માં માત્ર નામના નિઝામ બન્યા. તેમની પાસે કશો પાવર નહોતો. તેઓ એવી સ્થિતિમાં નહોતા કે, ખલીફાનું પદ મેળવી શકે.
ભારત સરકારે 1971માં તેમનો અધિકાર સમાપ્ત કરી દીધો અને તેમની સંપત્તિને ટૅક્સ અને જમીન કાયદા હેઠળ હસ્તક કરી લીધી.
જાહે એક બિનપરંપરાગત સમાધાન પસંદ કર્યું અને તેઓ 1973માં પશ્ચિમ ઑસ્ટ્રેલિયા જતા રહ્યા. ત્યાં તેમને 2,00,000 હેક્ટર વિસ્તારનું ઘેટાંનું ફાર્મ ખરીદ્યું.
ત્યાર પછીથી તેઓ તુર્કી જતા રહ્યા અને 14 જાન્યુઆરી 2023એ ઇસ્તંબુલમાં તેમનું મૃત્યુ થયું.
તેમના મોટા પુત્ર રાજકુમાર અઝમત જાહ નામમાત્રના નવમા નિઝામ બન્યા. તેઓ બ્રિટિશ ફિલ્મમૅકર છે અને હૈદરાબાદમાં ઘણી બધી જગ્યાઓના માલિક છે.
ઇસ્લામિક દુનિયામાં અબ્દુલ મજીદ અને મીર ઉસ્માન અલીના વંશના જોડાણને ઇસ્લામના બે મોટા વંશના જોડાણ તરીકે જોવામાં આવ્યું.
બ્રિટિશ રાજના અંત પછી જો હૈદરાબાદ સ્વતંત્ર દેશ બન્યો હોત, તો રાજકુમાર મુકર્રમ જાહે નિઝામ બન્યા પછી ખલીફા બનવાનો દાવો કર્યો હોત.
પરંતુ, એવું ન થયું. ઇતિહાસકાર જૉન જુબરજિકીએ 2005માં તુર્કીમાં મુકર્રમ જાહનો ઇન્ટર્વ્યૂ કર્યો હતો. મેં તેમને પૂછ્યું હતું કે, આ ઇતિહાસ અંગે તેઓ શું વિચારે છે?
જાહની બાયૉગ્રાફી લખતા જુબરજિકીને ખલીફા અબ્દુલ મજીદની વસિયત સાથે સંકળાયેલો એક અગત્યનો પત્ર મળ્યો હતો.
તેમણે કહ્યું કે, "હોશિયાર હોવાની સાથે નિઝામ મીર ઉસ્માન અલી ખાન એક ચતુર વ્યૂહરચનાકાર હતા."
જુબરજિકીએ જણાવ્યું કે તેમની ઇચ્છા પોતાના પૌત્રને ખલીફા બનાવવાની હતી.
2005માં, જુબરજિકી જ્યારે જાહને મળ્યા હતા ત્યારે તેમને લાગ્યું કે, તેઓ "પ્રભાવશાળી, સભ્ય અને ઉદાર છે".
"તેઓ એ વાતોથી દુઃખી હતા, જેનો તેમણે પોતાના જીવનમાં સામનો કરવો પડ્યો."
છેલ્લા ખલીફાના પૌત્રને હૈદરાબાદની મક્કા મસ્જિદમાં દફનાવાયા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
Comments
Leave a Comment