બીજી તરફ, છેક ખેડા સત્યાગ્રહ (1918)ના જમાનાથી તેઓ ગાંધીજીના નિકટના અને વિશ્વાસુ સાથી તરીકે જાણીતા હતા.
ગાંધીજીના જીવનમાં સિદ્ધાંતો કેન્દ્રસ્થાને હતા, જ્યારે સરદાર સહિતના બાકીના નેતાઓના જીવનમાં ગાંધીજીએ પ્રબોધેલા સિદ્ધાંતો માર્ગદર્શક તરીકેની ગરજ સારતા હતા, પરંતુ એ તેમના જીવનની ધરી કે ચાલકબળ ન હતા.
વલ્લભભાઈએ પહેલાં ગુજરાતમાં અને પછી રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસને મજબૂત, શિસ્તબંધ અને સફળ બનાવવા માટે કામ કર્યું. તેના પરિણામે પક્ષનું માળખું વિરાટ, સુવ્યવસ્થિત અને સુગ્રથિત બન્યું અને પક્ષ દેશનું મુખ્ય રાજકીય પરિબળ બની રહ્યો.
'મૂડીવાદીઓના મિત્ર'ની સાદગી
કેટલાક ટીકાકારો, ખાસ કરીને સામ્યવાદી ઝોક ધરાવતા અભ્યાસીઓ, ગાંધીજીને પણ જમણેરી ગણાવતા હતા-ગણાવે છે. તેમના મતે, ઉદ્યોગપતિઓ સાથે મિત્રતા રાખવી, તેમનાં ભવ્ય આવાસોમાં (ભલે સાદગીથી) રહેવું, માલિકો સામે કામદારોના સંઘર્ષમાં કામદારોના પક્ષે સામેલ થવાને બદલે, બંને પક્ષો વચ્ચે સમાધાનનો પ્રયાસ કરવો—આ બધી બાબતો તેમના જમણેરી હોવાના પુરાવા હતી.
પ્રથમ દૃષ્ટિએ તેમની દલીલ સાચી લાગે, પરંતુ સરદાર કે ગાંધીજીને તે માપપટ્ટી લાગુ પાડતી વખતે એ પણ યાદ રાખવું પડે કે સમાજના વંચિતો વિશે આ નેતાઓને કેટલી ચિંતા હતી અને તેમના અંગત જીવનમાં સંપત્તિનું કેવું સ્થાન હતું.
ગાંધીજીએ વંચિતમાં વંચિત, સૌથી છેવાડે રહેલા જણના હિતને તેમના જાહેર વ્યવહારના કેન્દ્રમાં સ્થાપ્યું. હિત ઇચ્છવાના તેમના અભિગમ વિશે ચર્ચા, વિવાદ કે અસંમતિ હોઈ શકે, પણ સાદગીથી જીવનારા- ગરીબોની લાગણી જાણનારા તરીકે ગાંધીજી કે સરદારને દંભી કે દાનતની ખોટવાળા ગણવાનું સાચું નથી.
આર્થિક બાબતોમાં જમણેરી વિચારસરણી ધરાવનારને સંપત્તિનો છોછ હોતો નથી. બલ્કે, તે કશા ખટકા વિના સુખસાહ્યબીવાળું જીવન જીવે છે, જ્યારે વલ્લભભાઈએ બૅરિસ્ટર તરીકેની સાહેબગીરી છોડીને ચૂપચાપ સાદું જીવન અપનાવ્યું અને તે વિશે કદી ચર્ચા ન કરી.
સરદારની સાદગીને કેટલાક તેમની પ્રતિબદ્ધતાનું નહીં, પણ શુષ્કતાનું પ્રતિક માનતા હતા. એવા લોકોએ સરદારનું ગાંધીજીને મળતાં પહેલાંનું જીવન તપાસ્યું હોત તો તેમને ખ્યાલ આવત કે તે ગાંધીજી-જવાહરલાલ કરતાં કેટલા જુદા હતા અને કમાણી કરવી એ તેમનું ધ્યેય હતું.
તે છોડીને, જીવનના ચારેક દાયકા સુધી સેવેલું ને સિદ્ધ કરેલું ધ્યેય સદંતર છોડીને તે ગાંધીજીની સાથે જોડાઈ ગયા. વૈભવ તજી દીધો અને ખરબચડું જીવન પસંદ કર્યું.
'હું સૌનો પિઠ્ઠુ છું'
ધનપતિઓ સાથેની મિત્રતાના આરોપો વિશે ખુદ સરદારે એક વાર કહ્યું હતું,'ક્યારેક મને રાજાઓનો પિઠ્ઠુ કહેવામાં આવે છે, તો ક્યારેક ધનિકો અને જમીનદારોનો પિઠ્ઠુ. અસલમાં હું સૌનો પિઠ્ઠુ છું...ગાંધીજી સાથે જોડાયો ત્યારથી મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું સંપત્તિ નહીં રાખું. આ ચીજ હું એમની પાસેથી શીખ્યો છું અને એનાથી મોટા બીજા કોઈ સમાજવાદમાં હું માનતો નથી. ગાંધીજી સાથે રહીને હું એ પણ શીખ્યો છું કે રાજાઓ, મૂડીવાદીઓ કે જમીનદાર—કોઈ સાથે દુશ્મની કરવાની જરૂર નથી. દેશના હિતમાં બધા પાસેથી કામ લેવું.'
આ કેવળ બોલવાની નીતિ ન હતી. નાયબ વડા પ્રધાન બન્યા પછીનું સરદારનું જીવન પણ એ નીતિને અનુરૂપ રહ્યું. એ બાબતમાં તે ગાંધીજીના પાકા શિષ્ય રહ્યા. તેમનાં પુત્ર ડાહ્યાભાઈ જુદા રસ્તે ચાલનારા હતા. એટલે પાછલાં વર્ષોમાં સરદાર મુંબઈ જાય ત્યારે પુત્રના ઘરે ઉતરતા ન હતા.
એક વાર તેમને જાણ થઈ કે ડાહ્યાભાઈ એક સરકારી ખાતા સાથે વ્યાવસાયિક કામગીરીમાં ઉતરવામાં રસ ધરાવે છે ત્યારે તેમણે સંબંધિત અધિકારીને પત્ર લખીને સ્પષ્ટ શબ્દોમાં જાણ કરી હતી કે ડાહ્યાભાઈની અંગત બાબતો અને વ્યાવસાયિક હિતો એ તેમનો વિષય છે અને એમાં હું તેમને રોકી ન શકું, પણ તેમને મારા કારણે કોઈ પણ પ્રકારનો ગેરવાજબી લાભ મળવો જોઈએ નહીં.
સરદારના નિસ્પૃહીપણા વિશે રાજકીય સંદર્ભે વાત થાય છે—ગાંધીજીના કહેવાથી તેમણે કેટલી વાર પક્ષનું પ્રમુખપદું જતું કર્યું તે જાણીતું છે. પણ કૉંગ્રેસ માટે લાખો રૂપિયા ઉઘરાવનાર અને તેનો અસરકારક વહીવટ કરનાર સરદારનું અંગત જીવન અતિશય સાદું હતું, તે બહુ જાણીતું નથી.
સરદારનાં પુત્રી મણિબહેને લખ્યું હતું કે છેલ્લાં વર્ષોમાં માંદગી દરમિયાન તેમને એવી ચિંતા થઈ હતી કે દીકરી પાસે નર્સોને આપવાના ને દવા વગેરેના પૈસા હશે કે કેમ.
મણિબહેને લખ્યું હતું,'છેલ્લી ઘડી સુધી અર્ધજાગૃત અવસ્થામાં પણ મારું નહીં દેશનું સ્નેહરટણ—હૈદ્રાબાદ, કાશ્મીરનું રટણ કરતા રહ્યા. મને ફિકર રહ્યા કરતી કે મારી કંઈ ચિંતા ન કરે, પણ તેમને એટલો વિશ્વાસ કે વખત આવ્યે છોકરી વાસણ માંજીને પણ સ્વમાનથી દિવસ કાઢે એમ છે.'
સમાજવાદ-સામ્યવાદનો વિરોધ
એ પણ એક વિલક્ષણ વિરોધાભાસ છે કે બારડોલી સત્યાગ્રહ વખતે વલ્લભભાઈ પર ભારતમાં બૉલ્શેવિઝમ (સામ્યવાદી ક્રાંતિ) લાવવાના આરોપ થતા હતા, જ્યારે વલ્લભભાઈને સામ્યવાદ કે સમાજવાદમાં જરાય શ્રદ્ધા ન હતી.
મૂળભૂત રીતે વલ્લભભાઈ એકેય વાદના માણસ ન હતા. તે ગાંધીજીના સાથી હતા, ખાદી પહેરતા, રેંટિયો કાંતતા અને સાદગીથી જીવતા હતા. છતાં, રૂઢ અર્થમાં તે ગાંધીવાદી પણ ન હતા.
ભારતની આઝાદીના આંદોલન દરમિયાન અને ત્યાર પછી પણ ઘણા બૌદ્ધિકો અને કળાકારો સામ્યવાદ પ્રત્યે ખેંચાણ અનુભવતા હતા. કૉંગ્રેસમાં છેક 1934થી કૉંગ્રેસ સમાજવાદી પક્ષની રચના થઈ હતી, જે કૉંગ્રેસની અંદર રહેલા જયપ્રકાશ નારાયણ સહિતના પ્રગતિશીલ-ભાવનાશાળી યુવાનોનો પક્ષ હતો.
દિનકર મહેતા જેવા વિદ્યાપીઠના વિદ્યાર્થી પણ ગાંધીજીનો સંગ છોડીને સામ્યવાદમાં ભળ્યા હતા. તે સૌને સરદાર મૂડીવાદી બળોની તરફેણ કરનારા લાગતા હતા અને સરદારને લાગતું હતું કે આ બધા યુવાનો આદર્શની મોટી મોટી વાતો કરે છે, પણ તેના વાસ્તવિક અમલની તેમને ગતાગમ નથી.
સરદાર કહેતા કે ધનિકોની સંપત્તિ જપ્ત કરીને આખા દેશના ગરીબોને વહેંચવામાં આવે તો દરેકને ભાગે ચાર આના આવશે. એ બિલકુલ ચરોતરી ગણિત હતું, જેમાં પહેલી નજરે આદર્શની બાદબાકી લાગે, પણ વાસ્તવમાં તે વાસ્તવિકતા નજર સામે રાખીને, તેના આધારે આયોજન કરવાનો આગ્રહ સૂચવતું હતું.
કૉંગ્રેસમાં ટોચનું સ્થાન ધરાવતા જવાહરલાલ નહેરુ હતા ગાંધીજીની સાથે, પણ સમાજવાદ ભણી ઘણું ખેંચાણ અનુભવતા હતા. કૉંગ્રેસ સમાજવાદી પક્ષ સાથે તેમની પૂરેપૂરી સહાનુભૂતિ હતી.
સામ્યવાદીઓ અને સમાજવાદીઓને લાગતું હતું કે (રશિયામાં થયું હતું તેમ) આર્થિક સંસાધનો કામદારોના હાથમાં હોવાં જોઈએ. સામ્યવાદીઓને તે માટે હિંસાનો પણ છોછ ન હતો.
સામ્યવાદી ક્રાંતિનો આભાસી રંગ ઉતર્યા પછી સ્પષ્ટ થયું કે ત્યાં પણ કામદારોની સત્તાના નામે મુઠ્ઠીભર લોકોની સરમુખત્યારી જ સ્થપાઈ હતી.
સરદાર ખેડૂતપુત્ર હતા. તે ગરીબોનું-કિસાનોનું કલ્યાણ ઇચ્છતા, પણ તે ધનિકોને સમાજના અને દેશના દુશ્મન ગણતા ન હતા. તેમને લાગતું હતું કે દેશના ઔદ્યોગિક અને એકંદર આર્થિક વિકાસ માટે મૂડીપતિઓ પણ જરૂરી છે.
સમાનતા કે સમાજવાદના નામે સ્વદેશી મૂડીવાદીઓની પાછળ પડી જવાથી દેશનો ઉદ્ધાર થવાનો નથી એવી તેમની સ્પષ્ટ માન્યતા હતી.
વર્તમાન સમયમાં આ લખતી વખતે એટલી સ્પષ્ટતા ઉમેરવી જોઈએ કે તે મૂડીવાદીઓને માથે ચડાવવાનું તો બાજુ પર, એ તેમની શેહમાં પણ તણાતા ન હતા—તેમની પાસેથી પક્ષ માટે ભંડોળ લેવાનું હોવા છતાં. કારણ કે, શેઠો જાણતા હતા કે તેમણે આપેલા ધનમાંથી એક પણ રૂપિયો સરદાર પોતાના અંગત કામ કે હિત માટે વાપરવાના નથી.
સામ્યવાદી યુનિયનના પ્રભાવ સામે કૉંગ્રેસે બનાવેલું કામદાર યુનિયન નબળું ન પડે, તેની સરદાર પૂરી કાળજી લેતા હતા.
ઉપરાંત, સામ્યવાદીઓની નીતિરીતિઓની અને તેમના દ્વારા કરાતી હડતાળોની સરદાર આકરી ટીકા કરતા હતા. તેમનો મત હતો કે દેશ નવો નવો આઝાદ થયો હોય ત્યારે હડતાળ જેવા કાર્યક્રમોથી તેની સ્થિરતા સામે જોખમ ઊભું થાય છે.
બોલવામાં ગાંધીજીના શિષ્ય ન હોવાને કારણે તેમના શબ્દો ઘણી વાર ઘસરકા પાડતા હતા. 1934માં કૉંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના થઈ ત્યારે તેમણે એક ભાષણમાં કહ્યું હતું, 'માર્ક્ સના દેશમાં તો માર્ક્ સવાદીઓને પિસ્તોલથી ઉડાવી દેવામાં આવે છે. અહીં આપણામાંથી જ કેટલાકે માર્ક્ સનો સમાજવાદી પક્ષ સ્થાપ્યો છે, પણ તેમનું કંઈ નહીં ચાલે.'
સરદારના આકરા વલણને કારણે જયપ્રકાશ નારાયણ સહિતના ઘણા સમાજવાદીઓ તેમના ટીકાકાર રહ્યા અને સરદારને જમણેરી તરીકે ખતવી નાખતા રહ્યા. પરંતુ સરદારના મૃત્યુને સમય વીતતો ગયો તેમ તેમની મહત્તા વધુ ઉજાગર થતી ગઈ અને જયપ્રકાશ નારાયણે પોતે સરદારના મૂલ્યાંકનમાં કરેલી ભૂલ વિશે અફસોસ પણ વ્યક્ત કર્યો.
સામાન્ય માણસો પણ કોઈ એક વર્ણન કે લેબલમાં સમાતા નથી, તો સરદાર પટેલ જેવા વ્યક્તિત્વને બે-ચાર લેબલથી ઓળખવાનો મોહ ટાળવો, એ જ ઇચ્છનીય છે—ઇતિહાસની દૃષ્ટિએ પણ અને સમજણની રીતે પણ.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
Comments
Leave a Comment