જ્યારે બીબીસીએ ગર્ભપાત કરાવવા ઇચ્છતી કેટલીક મહિલાઓમાં ગર્ભનિરોધક દવાઓ જેવાં "હૉર્મોનલ" ઉત્પાદનોને બદલે "કુદરતી" પ્રજનન ટ્રૅકિંગ ઍપ્સનો ઉપયોગ વધી રહ્યો હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો, ત્યારે અન્ય મહિલાઓએ પણ બીબીસીનો સંપર્ક સાધીને આ અંગે તેમના અનુભવો વર્ણવ્યાં.
જીવનશૈલી સાથે અનુરૂપ હોય અને મર્યાદિત આડઅસરો ધરાવતા હોય, તેવા બર્થ કંટ્રૉલના ઉપાયો શોધવા કેટલું મુશ્કેલ છે, એ તેમની સાથેની વાતચીત પરથી માલૂમ પડે છે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ તમામ ઉપાયોના ફાયદા-ગેરફાયદા રહેલા છે.
એનએચએસ (નૅશનલ હેલ્થ સર્વિસ) સાથે સહયોગ ધરાવતી અને નિઃશુલ્ક જાતીય આરોગ્ય સેવા પૂરી પાડતી સંસ્થા એસએચઃ 24નાં મેડિકલ ડિરેક્ટર પૌલા બરૈટ્સર જણાવે છે કે, તમે 18 વર્ષના હોવ, તે સમયે જે પદ્ધતિ તમારા માટે અનુકૂળ હોય, તે 28, 38 કે 48 વર્ષની વયે અનુકૂળ ન પણ હોય.
ફર્ટિલિટી ટ્રૅકિંગ ઍપ્સ પ્રમાણમાં નવો વિકલ્પ છે અને કેટલાંક મહિલાઓ તેનો ઉપયોગ પણ કરી રહ્યાં છે.
તેઓ ઑવ્યુલેશન (અંડોત્સૉર્ગ)નું અનુમાન લગાવવા માટે શરીરના તાપમાન સહિતનાં માપનોનો ઉપયોગ કરે છે, જેથી યૂઝરને માસિકચક્રના પ્રત્યેક મહિનાના કયા સમયે ગર્ભ રહેવાની શક્યતા સૌથી વધુ છે, તેની જાણ થાય છે.
આથી, આ સમયગાળા દરમિયાન તે જાતીયસબંધ બાંધવાનું ટાળી શકે છે અથવા તો કૉન્ડોમનો ઉપયોગ કરી શકે છે.
ટ્રાયલ ઍન્ડ ઍરર
ડૉક્ટર બેરૈટ્સર જણાવે છે કે, તેમના કેટલાક દર્દીઓ પિલ્સ જેવી હૉર્મોનલ સારવારોથી કંટાળીને ઍપ્સનો વિકલ્પ અપનાવી રહ્યા છે.
આ અંગે તેઓ વિસ્તૃત સમજૂતી આપે છે, "હૉર્મોન્સ લેવાથી શરીરમાં ફેરફારો થાય છે અને આવી દવાઓ તરફની લોકોની પ્રતિક્રિયામાં ભિન્નતા પ્રવર્તે છે. આ પ્રતિક્રિયા સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે છે."
"જેમકે, ઍસ્ટ્રોજનથી મોટાભાગે ખીલની સમસ્યા ઓછી થઈ જાય છે અને કમ્બાઇન્ડ પિલ, પેચ કે રિંગ જેવી સંયુક્ત હૉર્મોનલ પદ્ધતિઓ રક્તસ્રાવને નિયંત્રિત કરવામાં સહાયરૂપ બને છે. બીજી તરફ, તેના કારણે લોકોના મૂડમાં, કામેચ્છામાં ફેરફાર થઈ શકે છે."
તેમના મતે, આ ટ્રાયલ ઍન્ડ ઍરરની પ્રક્રિયા હોય છે, જેમાં જ્યાં સુધી અનુકૂળ માર્ગ ન મળે, ત્યાં સુધી પદ્ધતિઓ બદલાતી રહેતી હોય છે.
કૉન્ડોમ એ એકમાત્ર એવું ગર્ભનિરોધક છે, જે ગર્ભાવસ્થાને રોકી શકે છે અને મોટાં ભાગનાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફૅક્શન્સ સામે રક્ષણ પૂરું પાડી શકે છે.
બીબીસીએ મહિલાઓના અનુભવો વિશે જાણકારી મેળવી છે, પરંતુ તેમની ઓળખ ગુપ્ત રાખવા માટે આ લેખમાં તેમનાં નામ કે તસવીરો પ્રગટ કરવામાં આવ્યાં નથી.
બ્રિસ્ટલમાં રહેતાં 25 વર્ષીય જ્યૉર્જિયા છેલ્લા સાત મહિનાથી ફર્ટિલિટી ટ્રૅકિંગ ઍપનો ઉપયોગ કરે છે.
જ્યૉર્જિયાએ જણાવ્યું હતું કે, પિલ્સ બંધ કરી દીધાં પછી તેના માનસિક સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો. તેઓ લગભગ એક દાયકાથી પિલ્સનું સેવન કરી રહ્યાં હતાં.
જ્યૉર્જિયા જાણે છે કે, જો આ દવાઓને કાળજીપૂર્વક ન લેવામાં આવે, તો અવાંછિત ગર્ભધારણનું સંકટ તોળાતું રહે છે.
જ્યૉર્જિયા જણાવે છે, "પિલ્સ લેવાથી મારો મૂડ સતત બદલાતો રહેતો હતો. મને લાગતું કે, હું મારા મૂડને નિયંત્રણમાં નથી રાખી શકતી. આખરે, પિલ્સનું સેવન બંધ કરવાનું નક્કી કર્યા પછી હું સંવેદનાઓ પર, જીવન પ્રત્યેના અભિગમ પર અને સ્વયં પ્રત્યેની લાગણી પર કાબૂ મેળવી શકી."
"મેં કૉપર આઈયુડી (કૉપર-ટી) તરફ નજર દોડાવી, પણ ભારે રક્તસ્રાવને કારણે મેં તેને જાકારો આપ્યો. મને પહેલેથી જ ભારે માસિકસ્રાવ થાય છે, તેમાં સ્થિતિ વધુ ખરાબ થાય. તેથી આવું કશુંક કરવું મને યોગ્ય ન લાગ્યું. હું જાણતી હતી કે, હું લાંબા સમયથી મારા શરીરના હૉર્મોન્સમાં ફેરફાર કરી રહી હતી. તેનાથી મને ચિંતા થતી હતી અને હું હવે આવું નહોતી કરવા માગતી."
"હું પર્સનલ ટ્રેનર છું અને મહિલાઓ સાથે સતત કામ કરું છું. રિસર્ચ આટલું જૂનું છે, તે નિરાશાજનક બાબત છે. "
"ધારો કે, તમે કોઈ જનરલ પ્રેક્ટિશનર પાસે જાઓ, તો ડૉક્ટર તમને કહેશે, 'આ અજમાવી જુઓ'. પણ કોઈ ગર્ભનિરોધક શરીરની અંદર અસર ઉપજાવે છે કે નહીં, તે જાણવા માટે કેટલીક વખત મહિનાઓ સુધી રાહ જોવી પડતી હોય છે. "
'દાવ પર ઘણુંબધું'
ગ્લાસગૉમાં રહેતાં 39 વર્ષીય ઍમિલીએ 2021માં ગર્ભવતી હોવાની જાણ થયા બાદ ગર્ભપાત કરાવ્યો હતો. તે સમયે તે ગર્ભનિરોધક તરીકે ટ્રૅકિંગ ઍપનો ઉપયોગ કરી રહ્યાં હતાં.
ઍમિલી 17 વર્ષનાં હતાં, ત્યારથી તેઓ જે પિલ્સ લઈ રહ્યાં હતાં, તેનું સેવન તેમણે 2018માં બંધ કરી દીધું. મૂળ તેણે ખીલની સારવાર માટે આ પિલ્સ લેવાનું શરૂ કર્યું હતું.
ઍમિલીએ જણાવ્યું હતું, "મારો મૂડ ખરાબ રહેતો હતો, મારું વજન વધવા માંડ્યું હતું અને હું કોઈ કામ કરી શકતી નહોતી. વળી, મારી કામેચ્છા પણ ઓછી થઈ રહી હતી. આથી, મેં પિલ્સ બંધ કરી અને તે પછી મને સુધારો જણાયો."
ઍમિલી નૉન-હૉર્મોનલ વિકલ્પ શોધી રહ્યાં હતાં અને તેઓ કૉઇલ (કૉપર-ટી) લગાવવાં નહોતાં માગતાં, આથી તેમણે પોતાના આઈફોન હેલ્થ ઍપ પર માસિકચક્રનું ટ્રૅકિંગ કરતી સુવિધાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.
2021માં તેમને જાણ થઈ કે, તેઓ ગર્ભવતી થઈ ગયાં હતાં. એ સમયના તેમના પાર્ટનર હવે તેમના પતિ છે.
ઍમિલીએ જણાવ્યું, "મને યુરિન ઇન્ફૅક્શન થઈ ગયું હતું, જેનાથી માસિકધર્મની મારી સાઇકલમાં થોડી ગરબડ સર્જાતાં કેટલાક મહિના વીતી ગયા અને મને માસિક ન આવ્યું. આથી, ગર્ભાવસ્થાની મને જાણ જ ન થઈ. એક દિવસ મારી તબિયત લથડતાં મને લાગ્યું કે, કાં તો મને કોવિડ થયો છે અથવા પછી હું પ્રેગ્નન્ટ છું. ઘરે જઈને મેં બંને ટેસ્ટ કર્યા, તો પ્રેગ્નન્સી ટેસ્ટ પૉઝિટિવ આવ્યો.
"મેં મારા પતિ (તે સમયે પાર્ટનર) સાથે આ વિશે વાત કરી અને આ અંગે ઉપલબ્ધ ઑનલાઇન માહિતી મેળવી. તે સમયે અમે એકબીજાને એટલું ઓળખતાં ન હતાં અને સાથે પણ રહેતાં નહોતાં. આથી અમે બાળક ન લાવવાનો નિર્ણય કર્યો."
ગર્ભપાત પછી ઍમિલીએ અન્ય ગર્ભનિરોધક અજમાવવાનું નક્કી કર્યું.
ઍમિલી કહે છે, "હું જાણું છું કે, ટ્રૅકિંગ ઍપ્સનો ઉપયોગ કરવા માટે તમારું માસિકચક્ર નિયમિત અને અવિરત હોવું જરૂરી છે. હું ફરી તે જોખમ ઊઠાવવા માગતી નહોતી."
આથી, ઍમિલીએ નૉન-હૉર્મોનલ કૉપર કૉઇલનો વિકલ્પ પસંદ કર્યો.
"મને પીઠના નીચલા ભાગમાં દુખાવો થવાની સમસ્યા છે, પણ કૉઇલનો ઉપયોગ કર્યા પછી માસિક દરમિયાન દુ:ખાવો વધી ગયો છે. અને હવે મને ઑવ્યુલેશન દરમિયાન પણ દુ:ખાવો થાય છે."
ઍમિલી દુઃખ વ્યક્ત કરતાં કહે છે, "વર્તમાન સમયમાં અન્ય ક્ષેત્રોમાં મોટાપાયે મેડિકલ રિસર્ચ હાથ ધરાય છે, પણ ગર્ભનિરોધની વાત આવે, ત્યારે હજુયે આપણે 50 વર્ષ જૂની કૉન્ટ્રાસૅપ્ટિવ પિલ્સ અને પીડાદાયક કૉઇલ દાખલ કરવાનો સહારો લેવો પડે છે."
'મહિલાઓ માટે બહેતર વિકલ્પ'
26 વર્ષનાં ફ્રેયાએ તેના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે કે કેમ, તે ચકાસવા માટે હૉર્મોનલ ગર્ભનિરોધક લેવાનું બંધ કરી દીધું.
ફ્રેયા કહે છે, "હું 15 વર્ષની હતી, ત્યારથી તેનું સેવન કરતી હતી. આથી, હું તેનાથી ટેવાઈ ગઈ હતી. ઍપમાં મને ગર્ભ રહી જવાનું જોખમ દર્શાવવામાં આવ્યું, ત્યારે મેં કૉન્ડોમ્સ વાપરવાનું શરૂ કરી દીધું."
"એ પછી ત્રણ મહિનાની અંદર હું ગર્ભવતી થઈ અને મેં ગર્ભપાત કરાવ્યો, જેના લીધે મારે ઘણી માનસિક અને શારીરિક યાતનામાંથી પસાર થવું પડ્યું."
ફ્રેયાનું કહેવું છે કે, આ અનુભવ થયા પછી તેણે સામાન્ય ગર્ભનિરોધનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું, કારણ કે, તેમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે.
41 વર્ષનાં ઍલિસ ફાર્નબોરોમાં રહે છે. ગોળી લેવા દરમિયાન તેને કેટલીક આડઅસરો થઈ હતી, જેમાં કામેચ્છા ઘટી જવી, વજન વધવું, મૂડ સતત બદલાતો રહેવો અને રક્તસ્રાવ વધી જવો, વગેરેનો સમાવેશ થાય છે.
ઍલિસ રોષપૂર્વક કહે છે, "મારે એક દીકરી છે અને મને તેના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. આખરે શા માટે મહિલાઓ અને છોકરીઓએ જ ગર્ભવતી ન થવાની જવાબદારી ઊઠાવવી પડે છે? બાળકને જન્મ આપ્યા પછી માતાને તરત જ પૂછવામાં આવે છે કે, તમારે કેવા પ્રકારનું ગર્ભનિરોધક જોઈએ છે?"
સાથે જ તે ઉમેરે છે, "સદ્ભાગ્યે મારા પતિને કૉન્ડોમ વાપરવામાં કોઈ વાંધો નથી... હું હવે મારા માસિકચક્રને ટ્રૅક કરવા માટે ફર્ટિલિટી ઍપ વાપરું છું, પણ તેના પર ખાસ મદાર નથી રાખતી."
ફર્લિલિટી ટ્રૅકિંગ ઍપ વાપરનાર માટે
ફર્ટિલિટી ટ્રૅકર ઍપ્સમાં રસ ધરાવનારા લોકો માટે અહીં કેટલાક મહત્ત્વના મુદ્દા રજૂ કરવામાં આવ્યા છેઃ
ડૉક્ટર બેરૈટ્સર વર્ણવે છે, "અંડોત્સર્ગ (ઑવ્યૂલેશન) પછી ઘણી ઓછી માત્રામાં શરીરનું તાપમાન વધી જતું હોય છે. આ નાના ફેરફારને પારખી લેવા માટે તમારે જ્યારે પણ ઍપ જણાવે, ત્યારે તમારું તાપમાન માપવાનું રહે છે."
"વળી, તાપમાન માપવાનું આ કાર્ય સવારે ઊઠતાવેંત અને કશું પણ ખાધાં-પીધાં વિના કરવાનું રહે છે. જો તમે ઘણા વ્યસ્ત રહેતા હોવ, જો તમે રાતના સમયે કામ કરતાં હોવ, જો તમારાં બાળકો નાનાંં હોય, તો આ કાર્ય કરવું મુશ્કેલ થઈ શકે છે."
તેમણે જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં શરીરના તાપમાન પર સતત નજર રાખતી નવી ટૅક્નૉલૉજીઝ (જેમકે, સ્માર્ટ વૉચ દ્વારા કાંડાનું તાપમાન માપવું) તેમાં મદદરૂપ બની શકે છે.
ઍપ તમને કેવળ એ જણાવી શકે છે કે, તમારે કયા સમયે જાતીયસબંધ બાંધવો જોઈએ અને ક્યારે નહીં. તેની સલાહ યાદ રાખવી અને તેનો અમલ કરવાનું તમારા હાથમાં છે.
ઍનાટોલ મેનન-જૉહન્સન બ્રિટનમાં સેક્સ્યુઅલ હેલ્થ ક્લિનિક્સ ધરાવતી કંપની બ્રૂકના ક્લિનિકલ ડિરેક્ટર છે. તેમણે કહ્યું હતું કે, વણજોઇતા ગર્ભની શક્યતા અંગે વિચારણા કરવી જરૂરી છે.
તેઓ સલાહ આપે છે, "કેટલીક વખત શ્રેષ્ઠ ગર્ભનિરોધક પદ્ધતિ શોધવા માટે વિવિધ પ્રયાસો કરવા પડતા હોય છે."
કંપનીઓ કહે છે કે, જો ઍપ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો તે 93 ટકા વિશ્વાસપાત્ર નીવડી શકે છે. તેનો અર્થ એ કે, એક વર્ષ સુધી પ્રજનન ક્ષમતા પર નજર રાખવામાં આવે, તો પ્રત્યેક 100માંથી સાત મહિલા ગર્ભવતી થઈ શકે છે.
તેમ છતાં, આ રેશિયો સામાન્યપણે પિલ અને નાની પિલ્સના પરંપરાગત ઉપયોગને પગલે મળતી 91 ટકા સફળતા કરતાં થોડો બહેતર છે.
હૉર્મોન-રિલીઝીંગ કૉઇલ્સ કે ઇમ્પ્લાન્ટ્સની માફક ગોળીનો સાચો ઉપયોગ કરવાથી સફળતાનો દર 99 ટકા જેટલો વધી જાય છે. કૉઇલ્સ કે ઇમ્પ્લાન્ટ્સનું એક સકારાત્મક પાસું એ છે કે, યૂઝર તેને લેવાનું યાદ રાખવાની કે તે લેવાનો સમય સાચવવાની ઝંઝટથી મુક્ત રહે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
Comments
Leave a Comment