તેનું સૌથી મોટું કારણ છે આર્થિક છે. દૂધની કિંમતો દૂધમાં રહેલ ફૅટની ટકાવારી મુજબ નક્કી થાય છે. ગાય કરતાં ભેંસના દૂધમાં ફૅટનું પ્રમાણ વધુ હોય છે.
તેથી, ગાય ઓછું દૂધ આપવા માંડે કે દૂધ આપવાની તેની ઉંમર પૂરી થાય એટલે પશુપાલકોને આર્થિક ઉપાર્જન બંધ થાય.
તેવી જ રીતે ખેતીમાં પણ બળદોનું સ્થાન યંત્રો લઈ રહ્યાં છે. તેથી, વાછરડાની બહુ જરૂર ખેડૂતોને જણાતી નથી.
બીજી તરફ કેટલાક રાજકારણીઓ લોકોને ભારતીય ઓલાદોની ગાયોની સેવા કરવાનું આહ્વાન કરી રહ્યા છે.
ગુજરાતમાં તો રાજ્ય સરકાર ગૌપાલકોને પ્રતિ મહિને નવસો રૂપિયા ગાયના નિભાવણી ખર્ચ તરીકે પણ આપે છે.
પરંતુ, કચ્છના અબડાસા તાલુકાના કનકપર ગામના ખેડૂતોએ ગૌપાલનનું એક એવું મૉડલ વિકસાવ્યું છે જેમાં ગાયોને રાખવાનો ખર્ચ નહિવત્ રહે છે.
પરિણામે દૂધના વેચાણથી મળતું વળતર ઊંચું રહે છે અને ખેતી માટે જરૂરી ખાતર તેમજ અન્ય પેદાશો પણ મળી રહે છે.
આ ઉપરાંત, ગામની મહિલાઓએ ઘીની એક અલગ બ્રાન્ડ બનાવી એ જુદું. તેઓ આ બ્રાન્ડના ઘીનું વેચાણ કરી સારો નફો રળી રહી છે. આમ, આ મૉડલમાં ગાયો રાખવાની પ્રવૃત્તિ માત્ર ગૌસેવા ન રહીને નફાનો ધંધો સાબિત થઈ રહી છે.
શું છે ગૌપાલનને વધુ લાભદાયક બનાવતું કનકપર ગામનું આ મૉડલ?
પશુઓના ચરવા માટેની જગ્યાઓ પર થયેલાં કથિત દબાણો અને ગાંડા બાવળ જેવી વિદેશી જાતો ફેલાતાં ગૌચરમાં ઘાસ ઓછું ઊગવા સહિતનાં કારણોને લીધે જાણકારો પ્રમાણે હવે ઘણા ખેડૂતો કે પશુપાલકો પોતાની ગાય-ભેંસોને આખો દિવસ પોતાની વાડી કે ઢોરવાડામાં રાખતા થયા છે.
જ્યાં આ પશુઓનો સ્ટોલ ફીડિંગ એટલે કે ગમાણમાં જ ચારો ખવડાવી નિભાવ કરાય છે.
જેના કારણે ખેડૂતો-પશુપાલકોનો ઘાસચારાનો ખર્ચ અને પશુ નિભાવખર્ચ વધ્યો છે.
પરંતુ કનકપુર ગામમાં હજુ સુધી ગાયોને ગૌચરમાં ચરવા મોકલવાની પરંપરા જળવાઈ રહી છે. ઉપરાંત ત્યાંના ખેડૂતોએ આની સાથે અન્ય એક નવી વ્યવસ્થા પણ જોડી છે.
કનકપરમાં 70 જેટલા પરિવાર રહે છે. લગભગ 500ની વસતી ધરાવતા આ ગામમાં મુખ્ય વ્યવસાય ખેતી છે. ખેડૂતો 300 જેટલી ગાયો અને 20 ભેંસો રાખી ખેતી સાથે પશુપાલન પણ કરે છે. લગભગ બધી જ ગાયો ગુજરાતની સ્થાનિક એવી કાંકરેજ ઓલાદની છે.
કનકપરના નવા મૉડલ પ્રમાણે એક રીતે, પશુપાલકોએ ગાયોની સારસંભાળના કામનું નજીવા ખર્ચે આઉટસોર્સિંગ કર્યું છે.
ખેડૂતોએ ભેગા મળીને ગામમાં જ 2011માં એક ગૌશાળા સ્થાપી અને ગામની બધી ગાયો અને ભેંસોને તેમાં કાયમી ધોરણે રાખવાની વ્યવસ્થા ઊભી કરી.
ગામના આગેવાન અને ગુજરાત સ્ટેટ કૉ-ઓપરેટિવે માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ના ડાયરેક્ટર વાડીલાલભાઈ પોકારે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "અમારા ગામમાં ગાયોની સામૂહિક રીતે સારસંભાળ રાખવાની પરંપરા જૂની છે. પરંતુ, 2008માં દેશી ગાયના મહત્ત્વ વિશે મનસુખભાઈ સુવાગિયા લિખિત એક પુસ્તક મેં વાંચ્યું અને ગાયોને પાળવી આર્થિક રીતે પરવડે તેવું કંઈક કરવાનું વિચાર્યું. તેથી, અમે ગાયો અને ગૌચરની પરંપરાને આધુનિક સ્વરૂપ આપી એક ગૌશાળા સ્થાપી."
કનકપર ગૌશાળાનું સંચાલન કરતી સમિતિના વર્તમાન પ્રમુખ વસંતભાઈ દાયાણી કહે છે કે કનકપર ગામના ખેડૂતો 2500 એકર જમીનમાં ખેતી કરે છે અને બધા પ્રગતિશીલ ખેડૂતોમાં ગણના પામે છે.
"કચ્છના અન્ય ભાગોની જેમ અમારો વિસ્તાર પણ સૂકો છે. તેથી બધા ખેડૂતોએ 2008 સુધીમાં તેમની બધી જમીનોમાં ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ ફિટ કરાવી લીધી."
"એ બાદ, ઓછા ખર્ચે કેમ પાક લેવાય તેવા હેતુથી ખેડૂતો ઑર્ગેનિક ખેતી તરફ વળ્યા. આવી ખેતી કરવા માટે ગાયનું છાણ, મૂત્ર વગેરે અનિવાર્ય છે. તેથી ખેડૂતો ગાયોને રાખવા માટે વધારે પ્રેરાયા અને ગૌશાળાના માધ્યમથી આ કામ વધારે સારી રીતે થઈ શકે તેવો બધાનો મત થયો. તે રીતે ખેતી અને પશુપાલન બંને સસ્ટેનેબલ (પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર લાંબા સમય સુધી ચાલું રાખી શકાય તેવી પ્રવૃત્તિ) બને તેવો પ્રયાસ કરવાની શરૂઆત થઈ."
મહિને 100 રૂપિયા નિભાવણી ખર્ચ
વસંતભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ગૌશાળામાં રહેતી ગાયો-ભેંસોને ચારવા લઈ જવાનું અને તેમની દેખરેખ રાખવાનું કામ માલધારી સમાજના બે પરિવારને સોંપવામાં આવ્યું છે. આ ગોવાળો ગૌશાળાની ગાયોને સવારે ચરવા લઈ જાય, સાંજે ગૌશાળાના શેડમાં પાછી લાવે, જરૂર પડે તો બાજુના ગોડાઉનમાંથી ઘાસ લાવી નીરે અને રાત્રે તેમનું ધ્યાન રાખે."
"કનકપરના રહીશો માટે તેમની ગાયોને ગૌશાળામાં મૂકવાની કોઈ ફી નથી. પણ, આવી ગાયોને ચારવા માટે લઈ જતા ગોવાળને માલિકે મહિને સો રૂપિયા ચરાઈ પેટે આપવાના. ભેંસોની ચરાઈ બસો રૂપિયા છે."
તેઓ ગૌશાળામાં કાર્યપદ્ધતિઓ વિશે વાત કરતાં આગળ કહે છે કે, "આ ઉપરાંત, ખેડૂતોને તેમની દૂઝણી ગાયો પોતાના ઘરે રાખવાની છૂટ છે. પરંતુ ખેડૂતો આવી દૂઝણી ગાયોને પણ દરરોજ ગૌશાળામાં રાખાયેલ ગાયો સાથે ગૌચરમાં ચરવા મોકલી દે છે. ધણ પાછું ગામમાં આવે એટલે દૂઝણી ગાયો તેમની રીતે જ તેમના માલિકના ઢોરવાડામાં જતી રહે છે."
વસંતભાઈ આગળ વાત કરતાં કહે છે કે, "આવી ગાયોની પણ માસિક ચરાઈ સો રૂપિયા છે. કોઈ ગાયનો વિયાણના છ-આઠ મહિના પછી દૂધ આપવાનો સમય પૂરો થાય તો કોઈ પણ પ્રકારની ફી કે દાન આપ્યા વગર માલિક તેને ગૌશાળામાં મૂકી શકે છે અને વેતરે આવે ત્યારે તે ગાયને ફરી પાછી ઘરે રાખવાનું ચાલુ કરી શકે છે."
પશુઓ માટે ઘાસ ક્યાંથી આવે છે?
વસંતભાઈ જણાવે છે કે ગૌશાળા સ્થાપી તેની શરૂઆતના વર્ષોમાં ગૌશાળા સમિતિને વર્ષે દોઢથી બે લાખ રૂપિયાની કિંમતનો ઘાસ-ચારો ખરીદવો પડતો હતો, કારણ કે ગામમાં 200 એકર જેટલું ગૌચર તો હતું, પરંતુ તેમાં ગાંડા બાવળ ઊગી ગયેલ હોવાથી ઘાસ બહુ ઊગી શકતું ન હતું.
"તેથી અમે ગાંડા બાવળ કાઢી ગૌચરની કેટલીક જમીનમાં જુવાર વાવવાનું ચાલુ કર્યું. પરંતુ, એ પણ પૂરતું પુરવાર ન થયું. છેવટે, અમે 2018માં ધ કોર્બેટ ફોઉન્ડેશન નામની સંસ્થાના આર્થિક સહયોગ અને માર્ગદર્શન હેઠળ ગૌચરના 40 એકર વિસ્તારમાં ફેન્સિંગ (તારની વાડ) કરી તેમાં ચરિયાણ પર નિયંત્રણ લાવ્યા."
"ધ કોર્બેટ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ આ ફેન્સિંગ કરાયેલા પ્લૉટમાં ઘાસ વાવવાનું ચાલુ કર્યું અને પરિણામ ખૂબ સારાં મળ્યાં. ગામના બધા લોકો સાથે મળીને ઘાસની કાપણી કરી ગોડાઉનમાં ભરી દઈએ છીએ અને પછી કાપણી થઈ ગઈ હોય તેવા વિસ્તારમાં ગાયોને ચરવા માટે આવવા દઈએ છીએ."
વસંતભાઈએ જણાવ્યું કે, "આ વર્ષે અમે 32 ટન ઘાસ મેળવી શક્યા. તેથી, હવે ઘાસની બાબતમાં અમે લગભગ આત્મનિર્ભર થઈ ગયા છીએ. આ વર્ષે પણ ગૌચરના વધુ ભાગમાં ફેન્સિંગ કરવાનું કામ ચાલુ છે."
તેઓ ઉમેરે છે કે ખેડૂતોની વાડીઓમાં કોઈ પણ પાકની લણણી થઈ જાય પછી બીજા પાકના વાવેતર માટે જમીન ખેડતા પહેલા ખેડૂત તેનું ખેતર ખાલી થઈ ગયું હોવાની જાણ ગૌશાળાને કરે છે.
તેમણે કહ્યું કે, "ગોવાળ ગાયોને તે ખેતરે ચરવા માટે લઈ જાય છે. તેના બે ફાયદા છે. એક તો ગાયોને ચરવા માટેની નવી જગ્યા મળે છે અને બીજો એ કે ખેડૂત માટે ખેતર સાફ થઈ જાય છે અને ગાયો ચરતી-ચરતી છાણ-મૂત્ર વગેરે આપતી હોવાથી જમીન ફળદ્રુપ બને છે."
ગૌશાળા કઈ રીતે નાણાં એકઠાં કરે છે?
વસંતભાઈ કહે છે કે બાર સભ્યોની બનેલી ગૌશાળા સમિતિ વર્ષમાં એક વાર ગામમાં દાનની ટહેલ નાખે છે.
તેમણે કહ્યું કે, "આ ઉપરાંત ગામમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર અને કનકેશ્વરી મહાદેવ મંદિરના વાર્ષિકોત્સવ નિમિત્તે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને તેમાં થતી આવક ગૌશાળાને ચલાવવા વપરાય છે."
ગામમાં દાંડિયારાસ, નવરાત્રી વગેરે આયોજનો સમયે આરતીની થતી આવક પણ ગૌશાળાને ફાળે જાય છે. જન્મદિવસ, લગ્ન જેવા શુભ પ્રસંગોએ લોકો ગૌશાળાને સ્વેચ્છાએ દાન આપે છે.
વસંતભાઈએ જણાવ્યું કે, "ગૌશાળામાં એકઠા થતા છાણનું ગૌશાળા સમિતિ ખુલ્લી હરાજીથી દર વર્ષે વેચાણ કરે છે અને જે પૈસા મળે તે ગોવાળોને આપી દે છે. ગત વર્ષે ગૌશાળાનું છાણ રૂપિયા બે લાખમાં વેચાયું હતું."
કનકપર : ગૌપાલનના 4,000 રૂ.ના ખર્ચ સામે 10,000 રૂ.ની આવક
કનકપર ગામમાં માહી ડેરીના મિલ્ક કલેક્શન સેન્ટરના સંચાલક ઈશ્વરભાઈ હળપાણી કહે છે, "ગામમાંથી દરરોજ બસોથી અઢીસો લીટર દૂધ માહી ડેરીમાં મોકલવામાં આવે છે અને પશુપાલકોને સરેરાશ 45 રૂપિયા પ્રતિ લીટર ભાવ મળે છે. "
તેઓ જણાવે છે કે, "ગાયના દૂધમાં સરેરાશ ચાર ટકા ફૅટ હોય છે. માહી ડેરી કનકપરના ખેડૂતોને દર દસ દિવસે અંદાજે અઢી લાખ રૂપિયા ચૂકવે છે."
કનકપરમાં ખેતી અને પશુપાલન કરતા અશોકભાઈ ધોળુ કહે છે કે, "એક ગાયનો માસિક નિભાવણી ખર્ચ 4000 રૂપિયા થાય છે. તેની સામે ગાય 10,000 રૂપિયાની કિંમતનું દૂધ આપે છે."
અશોકભાઈ પાસે સાત ગાયો છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "એક ગાયને સાચવવા મહિને 100 રૂપિયા ચરાઈ, 3,000 રૂપિયાનું ખાણદાણ અને 1,000 રૂપિયાની કિંમતનો ઘાસચારો મળી કુલ ચારેક હજારનું ખર્ચ થાય છે. તેની સામે ગાય દરરોજ સરેરાશ આઠ લિટર દૂધ આપે છે."
"આ દૂધને ડેરીમાં આપી દઈએ તો મહિને 10,000 રૂપિયા મળે. પણ જો તેમાંથી ઘી બનાવીને વેચીએ તો 14,000 કરતાં પણ વધારે મળે."
તેઓ કહે છે કે, "કાંકરેજ ગાયની વાછડી ચાર વર્ષે પુખ્ત થઈ જાય છે અને તે પચ્ચીસથી ત્રીસ હાજર રૂપિયામાં વેચાય છે. જો વાછરડો જન્મે તો ખેડૂતો તેને રાતા તળાવ ખાતે એક સખાવતી સંસ્થા દ્વારા ચલાવાતી ગૌશાળામાં મૂકી આવે છે."
કનકપરના ખેડૂત 1,800 રૂપિયામાં વેચે છે ગાયનું ઘી
કનકપરનાં સરપંચ ચંદ્રિકાબહેન રંગાણી જણાવે છે કે, "ગૌપાલનમાંથી વધુ આર્થિક વળતર મળી રહે અને મહિલાઓનું આર્થિક સશક્તીકરણ થાય તે માટે ગામની મહિલાઓએ 2017માં શ્રી કનકપુર ગૌપાલક મહિલામંડળ નામના જૂથની રચના કરી હતી. તેમણે રૂપિયા 600 પ્રતિ લિટરના ભાવે છૂટક ઘીનું વેચાણ કરવાનું ચાલુ કર્યું."
તે બાદ 2020માં 'કનકેશ્વરી ઘી' નામની બ્રાન્ડથી ઘી વેચવાનું ચાલુ કર્યું. મંડળે ગ્રાહકોને આકર્ષવા માટે "ગૌચર ભૂમિમાં ચરતી દેશી ગાયનું ઘી" એવી ટૅગલાઇન રાખી છે અને મુંબઈ, અમદાવાદ સહિતનાં મોટાં શહેરોમાં ઘીનું વેચાણ કરી રહ્યું છે.
ચંદ્રિકાબેન જણાવે છે, "પશુપાલન અમારા ગામના ખેડૂતોને પૂરક આવક પૂરી પડે છે. પરંતુ ફૅટની માત્રા ઓછી હોવાથી માહી ડેરી ગાયના દૂધના ભાવ વધુ આપતી નથી. તેથી, અમે વિચાર્યું કે દૂધમાંથી ઘી જેવી મુલ્યવર્ધક વસ્તુ બનાવી વેચીએ તો વધારે વળતર મળે."
તેઓ આ પ્રવૃત્તિથી ગામની મહિલાઓ વધુ પગભર થયાં હોવાની વાત કરતાં કહે છે, "મોટા ભાગે પશુપાલનનું કામ મહિલાઓ સંભાળે છે અને જો ઘી બનાવી તેનું વેચાણ કરવાથી વધારે વળતર મળે તો મહિલાઓનું આર્થિક સશક્તીકરણ થાય. આવા આશયથી અમે મહિલા મંડળની રચના કરી, ઘીની બ્રાન્ડ લૉન્ચ કરી. બ્રાન્ડિંગના કારણે ઘીના 1,800 રૂપિયા પ્રતિ લિટર જેટલો ભાવ મળતો થયો છે. સાથે સાથે લોકોને ગાયનું શુદ્ધ ઘી આપવાનો આનંદ મળે છે."
આ મંડળ વતી ઘીનું માર્કેટિંગ અને વેચાણ કરતાં અશોકભાઈ કહે છે કે મંડળ દર મહિને 80 થી 110 લિટર ઘીનું વેચાણ કરે છે.
તેઓ કહે છે કે, "મંડળ વર્ષે આઠેક લાખ રૂપિયાના ઘીનું વેચાણ કરે છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
Comments
Leave a Comment