છેલ્લો દિવસ: નવ વર્ષ પહેલાં રજૂ થયેલી આ ફિલ્મે ગુજરાતી ફિલ્મજગતમાં કેવી રીતે નવો બૅન્ચમાર્ક સૅટ કર્યો

Facebook Twitter LinkedIn
છેલ્લો દિવસ: નવ વર્ષ પહેલાં રજૂ થયેલી આ ફિલ્મે ગુજરાતી ફિલ્મજગતમાં કેવી રીતે નવો બૅન્ચમાર્ક સૅટ કર્યો

ડિરેક્ટર તરીકે કૃષ્ણદેવ યાજ્ઞિકની એ પ્રથમ ફિલ્મ હતી. જેનું લેખન પણ તેમણે જ કર્યું હતું. એ પછી કૃષ્ણદેવે 'કરસનદાસ પે ઍન્ડ યુઝ', 'રાડો', 'ત્રિશા ઑન ધ રૉક્સ' જેવી વિષય વૈવિધ્યતા ધરાવતી ફિલ્મો બનાવી હતી.

'છેલ્લો દિવસ'માં મોટા ભાગના કલાકાર કસબી એવા હતા જે તેમની પ્રથમ કે શરૂઆતની ફિલ્મ હતી અને હવે તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કલાકાર તરીકે સ્થાપિત થઈ ગયા છે. જેમાં જાનકી બૉડીવાલા, કિંજલ રાજપ્રિયા, યશ સોની, મયૂર ચૌહાણ ઉર્ફે માઇકલ, મિત્ર ગઢવી, મલ્હાર ઠાકર વગેરે સામેલ છે.

એ ફિલ્મમાં કલાકારોની વરણી એટલે કે કાસ્ટિંગ અભિષેકનું હતું. જેમણે પછી 'હેલ્લારો' જેવી રાષ્ટ્રીય વિજેતા ફિલ્મ બનાવી હતી.

ટૂંકમાં, ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર્સ વગેરે બધા માટે 'છેલ્લો દિવસ' એ પહેલી ફિલ્મ હતી.

'કૅન્ટીન ટાઇમ' અને 'એટીકેટી' – ફિલ્મના કલાકારો કોણ હતા?

'છેલ્લો દિવસ' ફિલ્મની સ્ક્રિપ્ટ – પટકથા પહેલા હિન્દીમાં લખાઈ હતી. જેમાં તેનું નામ એટીકેટી રાખવામાં આવ્યું હતું. ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકને ફિલ્મ હિન્દીમાં જ બનાવવાની ઇચ્છા હતી. બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે,"થયું એવું કે હિન્દીમાં જે સ્ક્રિપ્ટ લખી હતી તે લઇને અમે કેટલાક પ્રોડ્યુસર્સને મળ્યા હતા,પણ કોઈ તૈયાર થયું ન હતું."

દરમ્યાન ગુજરાતી સિનેમામાં 'કેવી રીતે જઈશ?'(2012) અને 'બે યાર'(2014) નામની બે ફિલ્મો આવી હતી. ડિરેક્ટર અભિષેક જૈને બનાવેલી એ બંને ફિલ્મોએ નવી આબોહવા સર્જી હતી અને ફિલ્મો સારી ચાલી હતી.

આ ઉપરાંત એક્ટર – ડિરેક્ટર આશીષ કક્કડે બેટર હાફ(2010) નામની ફિલ્મ બનાવી હતી જેની પણ નોંધ લેવાઈ હતી. ગુજરાતી ફિલ્મોમાં 2010 પછી જે માહોલ રચાયો એને લીધે કૃષ્ણદેવ યાજ્ઞિક અને પ્રૉડ્યુસર વૈશલ શાહે ગુજરાતીમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.

કૃષ્ણદેવ યજ્ઞિક કહે છે કે, "અભિષેક જૈનની બંને ફિલ્મોને ગુજરાતીઓએ જે રીતે વધાવી એ પછી અમારામાં હિમ્મત આવી કે આપણે ય ગુજરાતીમાં ફિલ્મ બનાવીએ. એ પછી અમે અભિષેક જૈન તેમજ આશિષ કકક્ડને મળ્યા હતા. તેમનો અનુભવ જાણ્યો હતો. તેમણે અમને આવકાર્યા હતા અને ઉપયોગી સૂચનો આપ્યાં હતાં. એને આધારે અમે 'છેલ્લો દિવસ'નો ઘાટ ઘડ્યો હતો."

2016માં 'છેલ્લો દિવસ'ની હિન્દી રીમેક 'ડેઝ ઑફ તફરી'ના નામે રજૂ થઈ હતી.

અભિનેતા મયૂર ચૌહાણ ફિલ્મ 'છેલ્લો દિવસ'માં નરેશના પાત્રમાં જોવા મળ્યા હતા. નરેશની રમૂજી રીતે સંવાદ બોલવાની ઢબ અને તેમના 'અમોતમો'ના લઢણવાળા ડાયલૉગ્સ ખૂબ લોકપ્રિય થયા હતા.

બીબીસી સાથે વાત કરતાં મયૂર કહે છે કે, "આજે પણ લોકો નરેશના એ પાત્રને એટલો જ પ્રેમ આપે છે. હું કોઈ કાર્યક્રમમાં જાઉં તો નરેશના ડાયલૉગ્સ બોલવાની ફરમાઇશ થાય છે. દસ વર્ષ પછી પણ એ પાત્ર લોકોના હૈયૈ વસેલું છે એ માટે હું લોકોનો આભાર માનું એટલું ઓછો છે. મને અંદાજ નહોતો કે એ પાત્ર લોકોને આટલુ પસંદ પડશે."

છેલ્લો દિવસનાં નરેશના પાત્રના મીમ પણ સોશિયલ મીડિયા પર ખૂબ ફરતાં થયાં હતાં.

મયૂર ચૌહાણ કહે છે કે, "છેલ્લો દિવસ પછી મને એ પ્રકારની ભૂમિકા ખૂબ ઑફર થઈ પણ મેં એ રોલ નહોતા કર્યા. મારે અભિનેતા તરીકે વિવિધ ભૂમિકા ભજવવી હતી."

3 કરોડની ફિલ્મે 18 કરોડનો ધંધો કર્યો

'છેલ્લો દિવસ' એ ગુજરાતી ફિલ્મ હતી જે મલ્ટિપ્લેક્સમાં જઈને બહોળી સંખ્યામાં યુવાવર્ગે નિહાળી હતી. એ ફિલ્મે યુવાઓને કેન્દ્રમાં રાખીને કૉમેડી ફિલ્મ બનાવવાની નવી કેડી કંડારી હતી.

ગુજરાતી ફિલ્મોના અભ્યાસુ કાર્તિકેય ભટ્ટે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે "ગુજરાતી ફિલ્મો વિશેની કેટલીક માન્યતા હતી. જેમકે શહેરી વર્ગ ગુજરાતીઓ ફિલ્મો જોતા નથી અને એમાંય શહેરી યુવાવર્ગ તો ગુજરાતી ફિલ્મો જોતા જ નથી. મલ્ટિપ્લેક્સમાં ગજરાતી ફિલ્મો લાગતી પણ નથી અને લાગે તો ચાલતી નથી. એ માન્યતા 'કેવી રીતે જઈશ' અને 'બે યાર' જેવી ફિલ્મે તોડી નાખી. એ ફિલ્મો મલ્ટિપ્લેક્સમાં રજૂ થઈ અને શહેરી યુવાઓએ જોઈ હતી."

આના આધારે એ તો નક્કી થયું જ કે મલ્ટિપ્લેક્સમાં વધારે ફિલ્મો જોનારો વર્ગ યુવા છે. તેથી તેમને આધારે જ 'છેલ્લો દિવસ' ફિલ્મ બની અને કૉલેજીયન યુવા વર્ગે રંગેચંગે જોઈ હતી.

વૈશલ શાહ કહે છે કે, "અમારી પાસે અન્ય સ્ક્રિપ્ટ હોવા છતાં 'છેલ્લો દિવસ' પર પ્રથમ કામ એટલા માટે કર્યું કે તે યુવાકેન્દ્રિત હતી. યુવા વર્ગને જે પસંદ પડે તે ફિલ્મ ચાલવાની તક વધી જાય છે. કારણકે, થિયેટરમાં ફિલ્મ જોવા જનારાઓમાં 16થી 35 વર્ષની વયના લોકો વધારે હોય છે."

"છેલ્લો દિવસ ફિલ્મનું બજેટ 3 કરોડ હતું અને બૉક્સ ઑફિસ પર 18 કરોડનો ધંધો કર્યો હતો."

'કૉલેજના દિવસો ફિલ્મોમાં ઝીલ્યા'

'છેલ્લો દિવસ' ફિલ્મમાં કલાકારો તો નવા હતા પણ ફિલ્મનાં રમૂજી દૃશ્યોમાં તેમના તાલમેલ –કૉમિક ટાઇમિંગ ખૂબ વખણાયાં હતાં. યૂટ્યૂબ જેવા સોશિયલ મીડિયા પર તેનાં દૃશ્યો ખૂબ જોવાય છે.

કૃષ્ણદેવ કહે છે કે, "અમે ફિલ્મનું શૂટીંગ શરૂ કર્યું એ અગાઉ દોઢ મહિના સુધી એક વર્કશૉપ કરી હતી. ફિલ્મમાં સરસ તાલમેલ જોવા મળે છે તે વર્કશોપને આભારી છે. કારણકે એ દોઢ મહિના દરમ્યાન કલાકારો એકબીજાથી સરસ રીતે પરિચિત થઈ ગયા હતા અને દૃશ્યોની તેમને વિગતે જાણ હતી."

કૃષ્ણદેવ અને વૈશલ શાહ સ્કૂલકાળથી મિત્રો છે. તેમણે ફિલ્મનાં કેટલાંક પાત્રો પોતાનાં સ્કૂલ અને કૉલેજના સમયકાળમાંથી ઝીલ્યાં હતાં.

વૈશલ શાહ કહે છે કે, "ઍક્ટર આર્જવ ત્રિવેદીએ ધુલો નામનું જે પાત્ર ભજવ્યું તેવો એક છોકરો અમારી સ્કૂલમાં હતો. જે આખા બોલો હતો. જે આગળપાછળનું વિચાર્યા વગર જે કંઈ હોય તે બોલી નાખે અને પરિસ્થિતિને કંઈક જુદી જ દીશા આપી દે. ત્યાંથી અમે એ પાત્ર પકડ્યું હતું."

ફિલ્મમાં કેટલાંક પાત્રો જે પ્રકારના શબ્દો બોલે છે તેની ટીકા પણ થઈ હતી.

કૃષ્ણદેવ કહે છે કે, "આપણે જોયું છે કે કૉલેજના ફ્રેન્ડ્સ હોય તેઓ તુ - તારી કરીને કે ગાળ દઈને જ વાત કરતા હોય છે. તેથી મારો પ્રયાસ જ એ હતો કે વાસ્તવિક રજૂઆત થાય. યુવાનો મોબાઇલમાં વીડિયો ક્લિપ જોતાં હોય એવું હું કૉલેજમાં હતો ત્યારેય જોયું હતું. તેથી એ કોઈ કલ્પના નથી, હકીકત છે."

કૃષ્ણદેવ કહે છે કે, "સાચું કહું તો અમે ફિલ્મની સ્ક્રિપ્ટને થોડી ફિલ્ટર કરી હતી. ફિલ્મની જે પહેલી પટકથા તૈયાર કરી હતી તેમાં જે પ્રકારના શબ્દો હતા તે મુજબ ફિલ્મ બનાવી હોત તો કદાચ ઘણાને ઘણો વાંધો પડ્યો હોત."

'છેલ્લો દિવસ' ફિલ્મમાં સ્ટોરી છે કે નહીં?

કોઈ પણ ફિલ્મનો પાયો એની સ્ટોરી હોય છે.

જોકે, કૃષ્ણદેવ કહે છે, "છેલ્લો દિવસમાં કોઈ સ્ટોરીલાઇન જ નથી. એમાં કૉલેજીયનોના ફક્ત કિસ્સા છે જે એકબીજામાં પરોવાયેલા છે. હું માનું છું કે કોઈ પણ ફિલ્મ વારંવાર જોવી ત્યારે જ ગમે જ્યારે એમાં સ્ટોરીલાઇન ન હોય. તમે જે. પી. દત્તાની 'બૉર્ડર' ફિલ્મ જોશો તો એમાં પણ કોઈ સ્ટોરી નથી. એમાં ફક્ત સ્ક્રિનપ્લે છે."

લગ્નના ફોટો આલબમનું ઉદાહરણ આપીને કાર્તિકેય ભટ્ટ કહે છે, "છેલ્લો દિવસ એ આલબમ સ્ટાઇલની ફિલ્મ છે. જેમાં કૉલેજકાળનાં અલગ-અલગ દૃશ્યો ભેગાં કરીને ફિલ્મ બની છે. જેમ કોઈનાં લગ્નનો આલબમ જોઈએ તો એમાં અલગ-અલગ પ્રસંગના ફોટા હોય અને એ નિહાળતી વખતે કોઈ પણ પરિણીત વ્યક્તિ પોતાનાં લગ્નના કોઈ પ્રસંગને યાદ કરે એ રીતે આ ફિલ્મ નિહાળનારને પણ પોતાના કૉલેજના દિવસો યાદ આવી જાય."

ફિલ્મમાં બધા જ નવા ચહેરા હતા. કેમ કોઈ જાણીતા કલાકારને ફિલ્મમાં ન લીધા? આનો જવાબ આપતા કૃષ્ણદેવ કહે છે કે "સાચું કહું તો એ વખતે અમને કોઈ ગંભીરતાથી લેતું જ નહોતું. અમે બે-ત્રણ મોટા કલાકારોને ફિલ્મમાં રોલ માટે વાત કરી હતી પણ તેમણે રસ દાખવ્યો ન હતો. આમાં મને તેમનો કોઈ વાંક પણ લાગતો નથી. કેમકે, જે કલાકાર પચાસ – સો જેટલી ફિલ્મ કરી ચૂક્યા હોય તેમને એવું લાગે કે આ નવા નિશાળીયા ડિરેક્ટર – પ્રોડ્યુસર શું ભલીવાર કરશે?"

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

admin

admin

Content creator at LTD News. Passionate about delivering high-quality news and stories.

Comments

Leave a Comment

Be the first to comment on this article!
Loading...

Loading next article...

You've read all our articles!

Error loading more articles

loader